For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: ક્યાંક રોડ તૂટી ગયા તો ક્યાંક નદીના જળસ્તર વધ્યાં અને વિજપોલ ધરાશાયી

11:46 AM Jul 02, 2024 IST | V D
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર  ક્યાંક રોડ તૂટી ગયા તો ક્યાંક નદીના જળસ્તર વધ્યાં અને વિજપોલ ધરાશાયી

Rainy Weather: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની(Rainy Weather) શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે ક્યાંક ઝાડ ધરાશય થયા છે તો ક્યાય રોડ રસ્તા તૂટવાની ઘટના બની છે.

Advertisement

પાવાગઢમાં પથ્થરો પડતા દુકાનમાં નુકસાન
યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેને લઈને ડુંગર ખાતે લેન્ડ સ્લાઇડિંગની ઘટના બની હતી. લેન્ડ સ્લાઈડીંગની ઘટનાને પગલે નાની મોટી પથ્થરની ભેખડો જમીન પર ઘસી પડવાની ઘટનાઓ બની હતી. પાવાગઢ ખાતે ડુંગર પર પગથિયા રહી ઉપર ચડવા ઉતરવાના રસ્તામાં પાટીયા પુલ તારાપુર દરવાજાની વચ્ચે આવેલા સપાટ રસ્તામાં મુખ્ય રસ્તાની સાઈડ પર ખીણની ધાર પર પગપાળા ચાલતા યાત્રિકોની સુરક્ષા સલામતી માટે બનાવવામાં આવેલી લોખંડની મજબૂત રેલિંગ પર આ ભેખડોના પથ્થર આવી પડતા લોખંડની રેલીંગ ધરાશય થઈ હતી. નજીકમાં જ આવેલી એક કાચી દુકાન પર પણ આ પથ્થરો પડતા દુકાનમાં નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા.

Advertisement

વડોદરામાં ઝાડ પડવાની ઘટના
વડોદરા શહેરમાં વરસાદ શરૂ થતાં ઝાડ પડવાની ઘટના ફરી એક વખત બની રહી છે. રવિવારે શહેરમાં સવારથી જ ઝાડ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. જેમાં ન્યૂ સમા રોડ રિલાયન્સ ફ્રેશ પાસે, અલકાપુરી કુંજ સોસાયટી, સંગમ ચાર રસ્તા, ગોરવા પંચવટી પાસે, રાજમહેલ રોડ, સુભાનપુરા ચાર રસ્તા, સિંધવાઈ માતા રોડ, અટલાદરા નારાયણ વાડી અને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ઝાડ પડવાની ઘટના બની હતી. કુલ 11 જગ્યાએ ઝાડ પડ્યાં હતાં, જેમાં મકરપુરા રાજનગર અંબે માતાના મંદિર પાસે ઝાડ નીચે પાર્ક કરેલા બે એક્ટિવા દબાયાં હતાં. સદનસીબે કોઈને ઈજા થઈ નથી.

Advertisement

અમદાવાદમાં પાણી ભરતા વાહનચાલકો મુશ્કેલીમાં
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયું છે. જ્યારે ઓઢવ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે CTMમાં પણરસ્તા પર પાણી ભરાયા છે. સમી સાંજે વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે.

વિલિંગ્ડન ડેમ ઓવરફલો
જૂનાગઢ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિલિંગન ડેમ ઓવરફ્લો થયો છે. સોમવારે સાંજના સમયે ડેમ છલકાયો હતો. ડેમના આહલાદક દ્રશ્યો જોવા શહેરીજનો ઉમટ્યા હતા. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.

Advertisement

સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરાયા છે.

26 રસ્તાઓ તૂટી ગયા, 38 ગામમાં લાઇટો ડૂલ થતાં અંધારપટ છવાયો
ગુજરાત રાજ્યમાં ગઈકાલે રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીમા 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તાના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.

વલસાડમાં શાળામાં રજા
વલસાડ જીલ્લામાં ભારે વરસાદને પગલે તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી છે. વલસાડ ડીડીઓએ ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમજ ભારે વરસાદ અને આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ છે. વલસાડ તાલુકાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. જીલ્લાનાં અન્ય તાલુકા ધમરપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે. જીલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

NDRF ની ટીમ કેશોદ પહોંચી
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, ભારે વરસાદના કારણે નાગઢ - કેશોદમાં NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી , ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે NDRF ની ટીમ સ્ટેન્ડબાય , ૩૦ જવાનોની ટીમ આપત્તિ સમયે ઘેડ પંથકમાં રેસ્ક્યુની કામગીરી કરશે, રાહત બચાવની કામગીરી માટે જરૂરી તમામ સાધનો સાથે NDRF ની ટીમ કેશોદ પહોંચી.

Tags :
Advertisement
Advertisement