For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ; કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

01:08 PM Apr 23, 2024 IST | V D
‘જનતાનો ગદ્દાર  લોકશાહીનો હત્યારો’ લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ  કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

Congress Nilesh Kumbhani: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા થતા હવે ચૂંટણી થશે નહીં. સુરત લોકસભા બેઠકના 18 લાખ મતદારો મતદાનના અધિકારથી વંચિત થઈ ગયા છે. આ સમગ્ર ખેલમાં કોણે બેટિંગ કરી અને કોનો દાવ થઈ ગયો તે સૌ કોઈ જાણે છે. રાજકારણની આ ગંદી રમતમાં લોકશાહીનું ખૂન થયું છે, ત્યારે હવે સુરત કોંગ્રેસે(Congress Nilesh Kumbhani) પોતાના જ ઉમેદવારને ગદ્દાર કહી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

Advertisement

આ આખોય ખેલ કુંભાણીનો જ હોવાનો આક્ષેપ
સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. કુંભાણીના ટેકેદારોએ સહી ખોટી હોવાની એફિડેવિટ કરી અને કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. આ આખોય ખેલ કુંભાણીનો જ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલિભગતમાં પોતાનું ફોર્મ રદ્દ કરાવ્યું હતું.

Advertisement

પડદાં પાછળ કુંભાણી જ ખેલાડી હોવાનું કોંગ્રેસ પણ માની રહી છે. એટલે જ કુંભાણી સામે કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારની પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

નીલેશ કુંભાણી ગોવામાં હોવાની ચર્ચા
વિરોધ પ્રદર્શન કરતી વખતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કહ્યું કે, જનતા સાથે દગો કરીને નિલેશ કુંભાણી ગોવા જતો રહ્યો છે. તેનો ફોન બે દિવસથી સ્વીચઓફ છે. સુરતની પ્રજા ત્રસ્ત છે ત્યારે કુંભાણી ગોવામાં જલસા કરે છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, કુંભાણીએ તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો
નિલેશ કુંભાણીએ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે જોતા હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપ પ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નીલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે. ફોર્મ ભરવાથી લઈને અત્યારસુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, નીલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડયંત્ર રચ્યું હતું. જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નીલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળુ મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા. કોંગી નેતાએ જણાવ્યું હતું કે, નીલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નીલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી. નીલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement
Advertisement